આકર્ષક દેખાવ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે ઊંચાઈ પ્રમાણે શરીરનું વજન હોય. જેમ વધારે વજન જોખમી છે તેમ જરૂર કરતા ઓછું વજન હોય તે પણ સમસ્યા છે. જે લોકો જરૂર કરતાં વધારે દુબળા હોય છે તેમને પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યા થાય છે.
જેમનું વજન ઓછું હોય તેમની લોકો મજાક પણ ઉડાવે છે અને નબળા શરીરના કારણે તેઓ વારંવાર બીમાર પડે છે. વજન ઓછું હોય ત્યારે શરીરમાં શક્તિનો પણ અભાવ જોવા મળે છે.
કારણ કે વજન ઓછું હોવાનું મુખ્ય કારણ છે ખોરાક બરાબર ન લેવો. જો તમારું શરીર પણ નબળું હોય અને તમે બરાબર ખોરાક લઈ શકતા ન હોય તો તમને આજે કેટલાક અસરકારક ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરીને તમે તમારું વજન વધારી શકો છો.
અતિશય દુબળું શરીર ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. વજન વધારવા માટે પોષણયુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તે બરાબર જમી શકતા નથી કે તેમને ભૂખ લાગતી નથી.
તો આજે આ સમસ્યાઓને દૂર કેવી રીતે કરવી તે જાણીએ. આજે તમને જણાવીએ કે કઈ વસ્તુઓ ખાવાથી વજન વધે છે અને સાથે જ શરીર મજબૂત પણ થાય.
જે લોકોનું વજન ખૂબ જ ઓછું હોય અને વજન વધારવું હોય તેમણે એવી વસ્તુઓ ખાવી જોઇએ જેમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય અને પ્રોટીન પણ હોય.
આવી વસ્તુ છે ઘી અને ખાંડ. તમારી જમ્યા પહેલા ની અડધી કલાક પહેલાં એક ચમચી ઘી અને એક ચમચી ખાંડ મિક્સ કરીને ખાઈ લેવી. તેનાથી ભૂખ પણ વધારે લાગશે અને શરીરમાં શક્તિ પણ વધશે.
નિયમિત રીતે કિસમિસ ખાવાથી પણ વજન વધે છે અને શરીર મજબૂત થાય છે. કિસકિસમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરનું વજન વધારવા માટે જરૂરી છે. તેના માટે રોજ રાત્રે એક વાટકી પાણી ભરી તેમાં કિસમિસ પલાળી દેવી.
તમે કિસમિસની સાથે અંજીર પલાળી શકો છો. આ બંને વસ્તુને પલાળીને ખાવાથી શરીરને શક્તિ મળે છે અને શરીર બળવાન થાય છે. પલાળેલા અંજીર અને કિસમિસ સવારે ખાલી પેટ ખાઈ લેવા.
વજન વધારવા માટે કેળા પણ ખાઈ શકાય છે. તેના માટે દૂધમાં કેળા અને સાકર મિક્ષ કરીને રોજ ખાવાનું રાખો. દૂધ કેળા ખાવાથી શરીરને જરૂરી કેલરી મળે છે. સાથે જ વજન પણ ઝડપથી વધે છે. દૂધ અને કેળા ખાવાથી શરીરમાં ઉર્જા પણ આવે છે.
જે લોકોનું વજન ઓછું હોય તેમણે દિવસ દરમિયાન જ્યારે પણ ભુખ લાગે ત્યારે ડ્રાયફ્રુટ અથવા તો મગફળી ખાવી જોઈએ. આ બન્ને વસ્તુઓ કેલરી અને ફેટ થી ભરપૂર હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે.
આ સિવાય શરીરને બળવાન બનાવવા માટે રોજ રાત્રે પાણીમાં આઠથી દસ બદામ પલાળી દેવી અને સવારે આ બદામ ખાઈ લેવી.
શરીરની શક્તિ વધારવા માટે અને શરીરને લોખંડ જેવું મજબૂત કરવા માટે ચણા ખાવા પણ જરૂરી છે. ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વજન ઝડપથી વધારે છે. પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે. તમે પલાળેલા ચણા ને બાફીને પણ ખાઈ શકો છો.
જો તમે ઈંડા ખાતા હોય તો રોજ એક ઈંડુ ખાવું તેનાથી પણ વજન ઝડપથી વધે છે અને શરીર મજબૂત પણ થાય છે.