આજના સમયમાં મોટાભાગના લોકો એવા હોય છે જેમને સવારે નિયમિત પેટ સાફ આવતું નથી. આવી સ્થિતિમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પેટ સાફ ન આવે એટલે સમજી લેવું કે તમે કબજિયાતના શિકાર થયા છો.
અનિયમિત જીવનશૈલીના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કબજિયાતની સારવાર યોગ્ય સમયે કરી લેવી પડે છે નહીં તો તે ગંભીર રોગનું સ્વરુપ ધારણ કરી શકે છે.
કબજિયાતનું સૌથી મોટું કારણ હોય છે શરીરમાં પાણીની ઊણપ અને આ સિવાય યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ કબજિયાત થઈ શકે છે. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું પડે છે.
કબજિયાતની સમસ્યા પેટ સંબંધિત છે. આ તકલીફમાં મળત્યાગ કરવો મુશ્કેલ થઈ જાય છે. કારણ કે મળ આંતરડામાં જામી જાય છે અને મળ બહાર આવતો નથી.
મળ મોટા આંતરડામાં અટકી જાય છે તેના કારણે ગેસ સહિતની સમસ્યા પણ થઈ શકે છે. આ સ્થિતિમાં ભૂખ ન લાગવી, પેટ ફુલી જવું જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેવામાં કબજિયાત હોય તો આ ચાર વસ્તુઓથી હંમેશા દુર રહેવું.
ડેરી પ્રોડક્ટ – જે લોકોને કબજિયાત હોય તેમણે ડેરી પ્રોડક્ટથી દુર રહેવું જોઈએ. ડેરી પ્રોડક્ટમાં લેક્ટોઝ અને ચરબી વધારે હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધી જાય છે. કબજિયાત દરમિયાન દૂધ, ચીઝ જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ.
તૈલીય ખોરાક – કબજિયાતના દર્દીઓએ તૈલીય વસ્તુઓ પણ ખાવી જોઈએ નહીં કારણ કે તળેલા અને તેલ મસાલાવાળા ખોરાકને શરીર પચાવી શકતું નથી અને તેના કારણે પેટ સંબંધિત સમસ્યા વધી શકે છે. ખાસ કરીને કબજિયાત વધી જાય છે.
ચા અને કોફી – કબજિયાત દરમિયાન ચા અને ખાસ કરીને કોફીનું સેવન વધારે કરવાથી સમસ્યા ગંભીર બની શકે છે. કબજિયાતનો રોગ ગંભીર બને તો તે ખૂબ પીડાદાયક થઈ જાય છે. કોફીનું સેવન કરવાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે. તેનાથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
પેક્ડ જ્યુસ – પેકેજ્ડ જ્યુસનું સેવન પુષ્કળ પ્રમાણમાં લોકો કરે છે. પરંતુ આ જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાસ કરીને કબજિયાતના દર્દીઓ માટે આ રસમાં પોષક તત્વો હોતા નથી.
કારણ કે આ જ્યુસ તૈયાર કરવા માટે ફળના રસને ખૂબ ગરમ કરવામાં આવે છે જેના કારણે તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે. તેથી તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં વધારો થઈ શકે છે.