ઘરડાં થાઓ ત્યાં સુધી કિડનીને બચાવી રાખવી હોય તો જાણી લેજો આ ઉપાય

 

કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આમ તો આપણા શરીરના દરેક અંગનું મહત્વ છે જ પરંતુ કિડની એટલા માટે વધારે કારણ કે તે શરીરમાં ફિલ્ટર સિસ્ટમ કાર્યરત રાખે છે તેનાથી આપણા શરીરમાં ગયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

કિડની ઝેરી અને નકામા તત્વોને ફિલ્ટર કરી અને શરીરમાંથી બહાર કરે છે. આ તત્વો શરીરમાંથી પેશાબ વાટે બહાર નીકળે છે. કિડની શરીરમાં તરલતા અને ખનીજની માત્રાને નિયંત્રિત કરે છે.

કિડની શા માટે મહત્વનું અંગ છે એ વાત તેના પરથી કહી શકાય કે કિડની દર મિનિટે 1200 મિલી રક્ત શુદ્ધ કરે છે. એટલે 24 કલાકમાં કિડની અંદાજે 1700 લીટર રક્ત શુદ્ધ કરે છે.

પરંતુ જે રીતે લોકોની જીવનશૈલી બદલી છે તેના કારણે ખાણીપીણીની આદતોમાં પણ ઘણા ફેરફાર થઈ ગયા છે. લોકોના આહારમાં જંકફુડનું પ્રમાણ વધી ગયું છે. તેના કારણે કિડની પર અસર ઝડપથી થાય છે. કારણ કે આ પ્રકારના ખોરાકમાં હાનિકારક તત્વો વધારે હોય છે.

દૈનિક કાર્યોમાં શારીરિક શ્રમનો અભાવ હોવાના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થવાની પણ શક્યતા વધી છે. તેના કારણે પણ કિડનીને નુકસાન થાય છે.

કિડનીની બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આજે તમને જણાવીએ કે પ્રતિકૂળ આહારશૈલીમાં કિડનીનું ધ્યાન કેવી રીતે રાખવું. એવી કઈ કઈ વસ્તુઓ છે જે કિડનીને નુકસાન કરે છે.

ડાયાબિટીસ – ડાયાબિટીસના દર્દીને કિડની સમસ્યા થાય તેનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓના રક્તમાંથી શુગરને અલગ કરવામાં કિડનીને વધારે મહેનત થાય છે તેના કારણે કિડની પર દબાણ પણ પડે છે. કિડની પર લાંબા સમય સુધી દબાણ રહે તો તેને નુકશાન થવાનું જોખમ પણ વધી જાય છે.

વધારે પડતી દવાઓ – ડોક્ટરની સલાહ લીધા વિના કોઈપણ પ્રકારની દવા લેવી જોખમી છે. મોટાભાગના લોકો કોઈપણ પ્રકારનો દુખાવો થાય એટલે પેઈનકીલર્સ લઈ લેતા હોય છે જેની અસર કિડની પર થાય છે.

આ રીતે દવાઓ લેવાથી કિડની ફેલ થવાનું પણ જોખમ વધી જાય છે. કિડની ડેમેજ થઈ હોય તો તેના લક્ષણો પણ દેખાતા નથી તેથી સાવધાન રહેવું જરૂરી છે.

હાઈ બીપી- હાઈ બીપીની સમસ્યા હોય તેવા લોકોને પણ કિડનીનો રોગ થવાની શક્તા વધી જાય છે. આજના સમયમાં કિડની ફેલ થવાના 27 ટકા કેસમાં જવાબદાર કારણ બ્લડ પ્રેશર હોય છે.

ધૂમ્રપાન – ધૂમ્રપાન શરીર માટે નુકસાનકારક છે. કિડની ફેલ થવાનું એક કારણ આ વ્યસન પણ છે. આ સિવાય તમાકુ, ગુટકા ખાવાથી પણ રક્તવાહિનીઓ સાંકળી થઈ જાય છે અને કિડનીને ગંભીર નુકસાન થાય છે.

જો કિડનીને આ બધા જોખમથી બચાવવી હોય તો વ્યાયામ કરવાનું રાખો, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું, વધારે પડતી દવાઓ લેવાનું ટાળો, વજનને નિયંત્રણમાં રાખો અને સમયાંતરે બ્લડ શુગર ચેક કરાવતા રહો.

Leave a Comment